• ગઝલ 📝
ગઝલનું માળખું નિયમોથી ઘડાયેલું છે. તેને તે જ પ્રમાણે અનુસરવું પડે. સમજણ, વિચાર અને કલમ તેની પર બેસી જવા જોઈએ. ગઝલ બહરમાં હોવી જરૂરી છે, બહર વગર ગઝલ શક્ય નથી. બહર એટલે માત્રભાર. ગઝલની દરેક લાઈનને 'મિસરા' કહેવાય છે. બે મિસરા ભેગા મળે એટલે એક 'શેર' બને છે. બહુ બધા શેર ભેગા મળે તેને ‘એશ’આર’ કહેવાય. શેરનું બહુવચન! જે શબ્દ અથવા વાક્ય આખી ગઝલમાં સમાન રહે છે તેને 'રદિફ' કહે છે. અને જે શબ્દો સમતુકાન્ત અને મળતાવડા હોય તેને 'કાફિયા' કહે છે, જે બદલાતા રહે છે. ગઝલ રદિફ વગર શક્ય થઈ શકે છે પરંતુ કાફિયા વગર નહીં. શરૂઆતના બંને મીસરામાં કાફિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને 'મતલા' કહે છે. અને તેવી જ રીતે ગઝલનો છેલ્લો શેર જેમાં કવિ પોતાના 'તખલ્લુસ' નો પ્રયોગ કરે છે તેને 'મક્તાનો શેર' કહે છે. મતલા પછીનો શેર જેમાં પણ બંને મીસરામાં કાફિયા - રદીફનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેને હુસ્ન-એ-મતલા કહેવાય છે અને ‘મતલા-એ-શાનિ’ પણ કહેવાય છે. પહેલા મીસરાને ઉલા અને બીજા મીસરાને સાની કહેવાય છે. જે ગઝલમાં રદીફનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવી ગઝલને ‘મુરદ્દફ ગઝલ’ કહેવાય. જે ગઝલમાં રદીફનો ઉપયોગ કરવામાં આવતો નથી એવી રદીફ વગરની ગઝલને ‘ગૈર-મુરદ્દફ’ ગઝલ કહે છે. જે વિચારને બે લાઇનમાં એક જ મીટર-બહેરમાં લખવામાં આવે તેને જ શેર કહેવાય. બે લાઇનમાં બહર અલગ હોય તો એ ખાલી એક વિચાર છે. જે ગઝલના બધા જ શેર એક જ વિષયની આજુબાજુ ફરતા હોય તે ગઝલને ‘મુસલ્સલ ગઝલ’ કહેવાય. જે ગઝલના બધા જ શેર અલગઅલગ વિષયો ઉપર લખેલા હોય તેને ‘ગૈર-મુસલ્સલ ગઝલ’ કહેવાય.
૩૨ બહરમાંથી કુલ ૮ બહર પ્રચલિત છે, જેમાં મોટાભાગના કવિઓએ પોતાની કલમ ઘસી છે. ગઝલમાં માત્રા ચડાવવા અને ઘટાડવાનો નિયમ પણ રાખવામાં આવ્યો છે જેને 'ઝિહાફત' કહે છે. પણ શરૂઆતી દોરમાં આપણે તેનો પ્રયોગ ના કરીએ તો વધારે સારું. ભાવ અને તુકાન્તના આધાર પર ગઝલના ચાર પ્રકાર પડે છે. માત્રભાર અને ધૂનને ધ્યાનમાં રાખીને ગઝલ લખી શકાય છે. તેને તહત અને તરન્નુમ એમ બે પ્રકારે પ્રસતુત કરી શકાય છે. તમને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો બધું અહીં લખવું શક્ય નથી. હું પણ હજી શીખી રહી છું, તમારા પ્રશ્નને ન્યાય આપવાની કોશિશ કરીશ. તમે પણ એકવાર લખવાનો પ્રયત્ન કરી જુઓ અવશ્ય કંઇક નવું અને અદભૂત રચાશે!
——————————————————
ગઝલ માટે ઉપયોગી મુખ્ય ૧૯ બહર
- મુત્કારીબ - લગાગા લગાગા લગાગા લગાગા
- મુતદારિક - ગાલગા ગાલગા ગાલગા ગાલગા
- હજઝ - લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
- રમલ - ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગાગા
- રઝજ - ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
- વાફિર - લગાલલગા લગાલલગા લગાલલગા લગાલલગા
- કામિલ - લલગાલગા લલગાલગા લલગાલગા લલગાલગા
- બસીત - ગાગાલગા ગાલગા ગાગાલગા ગાલગા
- તવીલ - લગાગા લગાગાગા લગાગા લગાગાગા
- મુશાકિલ - ગાલગાગા લગાગાગા લગાગાગા
- મદીદ - ગાલગાગા ગાલગા ગાલગાગા ગાલગા
- મઝતસ - ગાગાલગા ગાલગાગા ગાગાલગા ગાલગાગા
- મઝારઅ - લગાગાગા ગાલગાગા લગાગાગા ગાલગાગા
- મુન્સરેહ - ગાગાલગા ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ
- કરીબ - લગાગાગા લગાગાગા ગાલગાગા
- સરીઅ - ગાગાલગા ગાગાલગા ગાગાગાલ
- ખફીક - ગાલગાગા ગાગાલગા ગાલગાગા
- જદીદ - ગાલગાગા ગાલગાગા ગાગાલગા
- મુકાતઝેબ - ગાગાગાલ ગાગાલગા ગાગાગાલ ગાગાલગા
———————————————
- છંદમાં લેવાતી કેટલીક છૂટની યાદી
૧) હ્રશ્વ દીર્ઘ અક્ષરોને લઘુ ગુરુ લઈ શકાય.
ઉદાહરણ-
કવિતા = લલગા થાય. પણ ‘વિ’ નો ઉચ્ચાર લંબાવીને ‘લગાગા’ થઈ શકે.
જેમકે, મૂકી, ફૂટી = લગા, ગાગા, ગાલ
૨) કોઈપણ પ્રત્યયને લઘુ લઈ શકાય.
નો,ની,નું,નાં,માં,થી,ને,એ
ઉદાહરણ-
ક્યાંથી = ગાલ
તેથી = ગાલ
બધાને = લગાલ
કળીનું = લગાલ
લાગણીને = ગાલગાલ
૩) શબ્દાંતે ગુરુ અક્ષર લઘુ લઈ શકાય.
ઉદાહરણ-
એને છૂટ મુજબ શબ્દનો અંતિમ અક્ષર ‘યો’ લઘુ લઈ શકાય. (ગાગાલ)
૪) એકક્ષરી શબ્દ લઘુ લઈ શકાય. જેમ કે,
ઓ, કે, હું, તું, જે, તે, હે, જો, તો,
૫) પંક્તિ ના અંતે જો અક્ષર લઘુ આવે તો એનો લોપ કરી શકાય. એટલે કે ‘મ’ ને સાઇલન્ટ કરી શકાય. ‘મ’ નું ઉચ્ચારણ ન કરી તો ચાલે, માત્રા પણ ન ગણીએ તો ચાલે.
ઉદાહરણ- શ્યામ માં ‘મ’ ની માત્રા ન ગણીએ તો ચાલે.
૬) જ. અક્ષરની આગળના શબ્દનો છેલ્લો અક્ષર જો લઘુ હોય તો તે અક્ષર સાથે જઈ ગુરુ બને.
ઉદાહરણ-
- આમ જ ના કરો.
અહીંયા ‘મ’ અને ‘જ’ ભેગા બોલાય છે. ‘આમજ’
આથી, ‘આમ જ’ એ ‘ગાલ લ’ નહીં પણ ‘ગાગા’ થાય.
- મારે ઘર જ નથી.
ગાગા ગા લ લગા (‘ઘરજ’ સાથે બોલાય)
ગાગા લ ગા લગા (સાચું માપ)
- ‘હસરત જ’ ગાગા લ થાય
પણ બોલવા પર ‘હસ ર તજ’ ઉચ્ચાર થાય છે એટલે હસરત જ ‘ગાલગા’ થશે.
૭) જ્યારે કોઈ શબ્દના અંતિમ અક્ષર પછી સ્વર આવે તો તેનો ઉચ્ચાર એ સ્વર સાથે ભળી જઈ ગુરુ બને છે.
ઉદાહરણ-
મરીઝ એની નિયત.
અહીંયા, મરીઝ એ ‘લગાલ’ છે, પણ ‘ઝ’ પછી ‘એની’ સ્વર આવે છે એટલે ‘મરીઝેની’ ઉચ્ચાર થાય અને તેનું માપ ‘લગાગાગા’ થશે.
૮) બે લઘુ ભેગા થઈને ગુરુ બને.
લલ = ગા
ઉદાહરણ-
પણ - ‘લલ’ નહીં પણ ‘ગા’ થાય.
માફક - ‘ગાલલ’ નહીં ‘ગાગા’ થાય.
નોંધ:- આ માહિતી પુસ્તકનું અધ્યયન કરીને તેના પરથી લેવામાં આવી છે.
- ઝરણા દાયમા✍🏻
Comments
Post a Comment