• અસંતોષ
"જે માંગે છે એ મળતું નથી, અને જે મળે છે એ ગમતું નથી." 🔁
આ પૃથ્વી પર ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન કંઈ હોય તો તે છે મનુષ્ય! કારણ કે તેને વિચારવાની ક્ષમતા આપી છે જે બીજા પ્રાણીઓમાં નથી હોતી. છતાંય મનુષ્ય આજીવન દુઃખી રહે છે, કેટલું વિચિત્ર કહેવાય! માણસને જે મળે છે તે ક્યારેય તેને દેખાતું જ નથી અને જે નથી મળ્યું તેના દુઃખ લઇને બેસી રહે છે, વિચાર્યા કરે છે. પરિણામે તે હંમેશાં ચિંતાગ્રસ્ત રહે છે, જીવનનો આનંદ ઉઠાવી શકતો નથી.
ઉદાહરણ તરીકે, એક ગરીબ વ્યક્તિ પહેલાં સાયકલની ઈચ્છા કરે છે તે આવ્યા પછી મોટરસાયકલની ઈચ્છા કરે છે અને પછી ગાડીની ઈચ્છા.. પણ તે બધું મળી ગયા પછી પણ "હજી શું નથી મળ્યું?" તેનું ધ્યાન તેમાં જ રહે છે. તમે ક્યારેય ધ્યાન દોર્યું હોય તો જોજો કોઈપણ વસ્તુ મેળવીને તેની ખુશી એક-બે દિવસ જ રહે છે જ્યારે કોઈ સામાન્ય દુઃખ પણ દિવસો સુધી ભુલાતું નથી. શા માટે? કારણકે આપણને એવી આદત પડી ગઈ છે. સારું જોવાની ક્ષમતા જ જાણે ખોઈ બેઠા હોય! ઈશ્વર એ નથી આપતા જે તમે માંગો છો કારણકે તે એ આપે છે જે તમારી માટે વધુ સારું હોય છે.
મનુષ્યને એમ લાગે છે કે તે જે માંગે છે તે તેને ક્યારેય નથી મળતું પરંતુ એવું કશું નથી હોતું. તમારી ઈચ્છા ઉપર નિયંત્રણ રાખો પછી જોઈ શકશો કે ઈશ્વરે તમને તમારી આવડત કરતાં પણ વધુ આપ્યું છે. જે કંઈ પણ મળ્યું છે તેને સહજતાથી અને સહર્ષ સ્વીકારતા શીખો. આપણે ક્યારેય સંતુષ્ટ થતા જ નથી અને એ જ તકલીફ છે. પણ દ્રષ્ટિકોણ બદલવાથી શું નથી થઈ શકતું? દૃષ્ટિકોણ બદલી તો જોવો.. દુનિયા બદલાઈ જશે!!!
- ઝરણા દાયમા ✍️
Comments
Post a Comment