• સ્ક્રોલિંગ 🤳

 નિરીક્ષણ! નાની-નાની બાબતોનું નિરીક્ષણ કરવું મને પહેલાંથી જ બહુ ગમતું! હાલના સમયમાં સૌથી વધુ જોવા મળતી સામાન્ય બાબત જો કોઈ હોય તો એ છે, મોબાઈલમાં થતું સ્ક્રોલિંગ! ખરેખર, હું રોજ ચારેબાજુ એવા જ માણસોને જોઈ રહી છું જે ફોન હાથમાં લઈને આ જ કામ કરતાં હોય છે. જરાક સમય મળ્યો નથી કે આ ફોનનું લોક ખોલીને એક પછી એક વિડિયોની હારમાળા શરૂ થઈ જાય છે.એમાં પણ ટ્રેન્ડિંગ મ્યુઝિક અને નકરા નાટકોએ તો હદ કરી મૂકી છે.

 

એક વખત ફોન હાથમાં લીધા પછી લોકોને ખ્યાલ જ નથી આવતો કે તેમનો સમય ક્યાં પસાર થઈ ગયો. કોઈ એક જણ કંઈક કરે એટલે બધાં તેના જેવું કરવા લાગે છે. આ દ્રશ્યો પેલી વાંદરા અને ટોપીવાળી વાર્તાની યાદ અપાવે છે. લોકો આ વાતને જરા પણ સમજી નથી રહ્યાં કે આમાં તેમની જિંદગી વેડફાઈ રહી છે. માણસ મોબાઈલનો એટલો આદિ થઈ ગયો છે કે ફોન ચાર્જિંગમાં મૂકવા છતાં પણ તેનું ધ્યાન તો ત્યાં ને ત્યાં જ અટવાયેલું રહે છે. વારંવાર ઉભા થઈને ફોન ચેક કર્યા કરે છે. પણ શા માટે?

 

સવારે ઉઠતાંની સાથે ફોન હાથમાં લે છે કે રાત પડયે વાત જાય.. એક વિચિત્ર માયાજાળ અને દેખાડાની દુનિયામાં રચ્યાં-પચ્યાં રહે છે જ્યાંથી તેને કશું જ મળવાનું નથી. હવે તો લોકો પોતાના પરિવારને સમય આપવાનું જ ભૂલી ગયા છે. બાળકોને, પત્નીને, મિત્રોને... અરે માણસ તો પોતાની જાતને પણ સમય આપવાનું ભૂલી ગયો છે. બસ રોજનું રૂટિન કામ, ઓફિસ અને જરાક નવરાં પડયા ત્યાં તો ફોન હાથમાં અને સ્ક્રોલિંગ ચાલું! જરાં એક મિનિટ, શું તમે પણ તેમાંથી એક તો નથી ને?

 

મને આવા દ્રશ્યો જોઈને બહુ લાચારી અનુભવાય છે, દયા આવે છે કે આજે આપણે ટેકનોલોજીની દુનિયામાં આગળ તો આવી રહ્યા છે.. પણ ક્યાંક ને ક્યાંક પાછળ પણ જઈ રહ્યા છે. કશુંક મેળવવા માટે ઘણું બધું ગુમાવી રહ્યા છે. સૌથી વધુ યુવા વર્ગ ગેરમાર્ગે દોરાઈ રહ્યું છે. તેઓ પોતાના ભવિષ્ય માટે સજાગ નથી. તેઓ તેમના સમયને અને જીવનને વેડફી રહ્યાં છે. હું એમ નથી કહેતી કે ફોન વાપરવો જ ન જોઈએ પણ હા, તેના વપરાશના સમયમાં કાપ તો મૂકવો જ રહ્યો...

 

        - ઝરણા દાયમા✍️


Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧