• તહેવારો 🪔

 પહેલા કેટલી મજા આવતી! કોઈપણ તહેવાર હોય, નાનો હોય કે મોટો હોય એની ખુશી બમણી હોતી! શું ત્યારે આપણે નાના હતા એટલે? કે પછી આજે જમાનો વધુ આધુનિક અને કૃત્રિમ થઈ ગયો છે એટલે? લોકો અને તહેવારો સાથે સંકળાયેલા તેમના વિચારો ઝડપથી બદલાઈ રહ્યા છે. જો આવું જ રહેશે તો મને એમ લાગે છે કે પાંચેક વર્ષ પછી કોઈ તહેવાર તેની મૂળ રીતથી ઉજવાશે જ નહીં. તહેવારોની સાચી રીત, પરંપરા, અને તેનું મૂળ સ્વરૂપ જળવાઈ રહે તે બહુ જરૂરી છે.

 

તહેવારોમાં હવે પહેલા જેવો ઉત્સાહ જોવા નથી મળતો. તમે પોતે પણ આ અનુભવ્યુ હશે. મોટા ભાગના તહેવારોમાંતો આધુનિકતા આવી જ ગઈ છે. પરંતુ નાના-નાના તહેવારોમાં જે ખુશી મળતી તે પણ હવે ક્યાંક લુપ્ત થઈ રહી છે. જેમકે, નાગ પાંચમ, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ અને બીજા ઘણાબધાં!

 

દરેક તહેવારનો અલગ ઉત્સાહ હતો. સાથે મળીને મંદિર જવું, વાર્તા વાંચવી, પ્રસાદ ખાવો, છઠ્ઠના દિવસે સાથે મળીને મમ્મીને અવનવી વાનગીઓ બનાવવામાં મદદ કરવી, સાથે વાતો, મજાક-મસ્તી અને ખૂબ મજા આવતી. એ સમય અલગ જ હતો. અત્યારે બધી જ વસ્તુઓ સામાન્ય લાગે છે. પણ હકીકતમાં આ નાની-નાની વસ્તુઓ અને તહેવારો જ આપણને એકબીજા સાથે જોડી રાખે છે.

 

આજે સૌની જિંદગી બહુ વ્યસ્ત થઈ ગઈ છે. જોબ અને બીજી પ્રવૃત્તિઓમાંથી સમય કાઢવો મુશ્કિલ થઈ ગયો છે. એક રજાના દિવસે પણ એટલા કામ નીકળી આવે છે કે આ બધા લ્હાવાથી વંચિત રહી જવાય છે. મારી ભગવાનને એક જ પ્રાર્થના છે કે સૌ હંમેશા આવી જ રીતે હળીમળીને, દિલથી અને ખુશીથી તહેવારોની ઉજવણી કરતાં રહે.

હર હર મહાદેવ!

 

- ઝરણા દાયમા✍️

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧