• પ્રેમની અભિવ્યક્તિ 🥰

 પ્રેમ! જીવનમાં પ્રેમ હોવો જેટલો જરૂરી છે એટલું જ જરૂરી છે એ પ્રેમને અભિવ્યક્ત કરવો. આ પ્રેમ કોઈપણ પ્રત્યેનો હોઈ શકે છે. મમ્મી પ્રત્યે, પપ્પા પ્રત્યે, ભાઈ-બહેન પ્રત્યે, પ્રેમી પ્રત્યે કે પછી મિત્ર પ્રત્યે!! તમે સામેવાળા વ્યક્તિને કેટલો પ્રેમ કરો છો, તેને કેટલું ચાહો છો એ બતાવવું ખૂબ જ જરૂરી છે. નહીંતર સામેવાળી વ્યક્તિને ક્યારેય એ ખબર જ નહીં પડી શકે કે તે આ દુનિયામાં કેટલો ભાગ્યશાળી વ્યક્તિ છે.

અરસપરસ વાતચીત કરવાથી, સમય પસાર કરવાથી, નાની-નાની વાતોના સંચારથી પણ પ્રેમ અને સંબંધ વધુ રસપ્રદ બને છે. જીવનનો કોઈ ભરોસો નથી. કોઈને ખબર નથી કે આપણી પાસે કેટલો સમય છે. તેમાં આપણે દરેક વ્યક્તિને દિલ ખોલીને કહી દેવું જોઈએ કે આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ. આપણે હંમેશા તેમની આસપાસ રહેવા માંગીએ છીએ. તેમનું ધ્યાન રાખવા માંગીએ છીએ. તેમને આપણી નજર સમક્ષ અને આપણે તેમની સમક્ષ રહેવા માંગીએ છીએ. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે આપણી અંદર રહેલી લાગણી પૂરેપૂરી વ્યક્ત કરી શકતાં નથી.

આપણે પ્રેમ વ્યક્ત કરતાં સંકોચ અનુભવીએ છીએ. મનમાં તો બોલી શકીએ છીએ, કહેવાની તીવ્ર ઈચ્છા પણ થઈ આવે છે. પણ તેને આપણે સહજતાથી ઉચ્ચારી શકતાં નથી. શા માટે? જો તે વ્યક્તિ આપણું જ છે તો આ સંકોચ શા માટે?

જ્યારે આપણી પ્રિય વ્યક્તિ જરાક પણ બીમાર થઈ જાય ત્યારે આપણે ચિંતિત થઈ જઈએ છીએ, ત્યારે આપણે તેમના વગર જીવવાની તો કલ્પના સુદ્ધાં પણ કરી શકતાં નથી. તો પછી તમે કયાં દિવસની રાહ જોઈને બેસી રહ્યા છો? આજે જ તમારા પ્રિયજનો ને જણાવી દોને કે તેઓ તમારા જીવનમાં કેટલું મહત્વ ધરાવે છે અને તમે તેમને કેટલો અનહદ પ્રેમ કરો છો!!!


-     ઝરણા દાયમા ✍🏻

Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧