• બિઝનેસ 🏭

 બિઝનેસ એટલે સાહસ! એકવાર સાહસ કરવું પડે બસ એટલી જ વાર છે! તમે પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. પણ હા, લાભ અને નુકશાનની તૈયારી સાથે! કંઈ પણ નવું કામ શરૂ કરવા માટે સૌપ્રથમ તેની યોજના બનાવી લેવી જરૂરી છે. અને પછી તે યોજના ઉપર કામ કરવા લાગી જાઓ. સુઈ રહીને સપના જોવા કરતાં વહેલાં ઊઠીને તે સપના પૂરા કરવામાં લાગી જાઓ. કોઈપણ કામ કરતાં પહેલાં તેના વિશે પૂર્વધારણા ના બાંધી લેવી જોઈએ. ઘણી વખત એવું થતું હોય છે કે આપણી શંકાઓ અને ચિંતાઓ નાહકની જ હોય છે. હકીકતમાં એવું કશું થતું જ નથી હોતું.

નોકરી કરવી એ સારી વાત છે પણ એટલી મહેનત જો તમે તમારી કંપનીમાં કરો તો તમે ક્યાંથી ક્યાંય પહોંચી શકો છો. પોતાની કાર્યક્ષમતા પર ભરોસો રાખો, આત્મવિશ્વાસ લાવો અને સાહસ સાથે પોતાનું કામ શરૂ કરો. તમારી આસપાસ રહેલા ધંધાદારીઓના કામની નોંધ લો. તેમને જોઈને શીખો, તેમને અનુસરો. અને વધુ સારી કામગીરી માટે વધુ મહેનત કરો. પણ હા, હાર્ડવર્ક નહીં સ્માર્ટ વર્ક! જેમાં ઓછા સમય અને ઓછી મહેનતમાં તમે વધુ પરિણામ મેળવી શકો!

દરેકના મનના એક ખૂણામાં ક્યાંક તો એવું તો થતું જ હોય છે કે નોકરી નથી કરવી અને પોતાનું કઈક કામ શરૂ કરવું છે. પણ સંજોગો અને જવાબદારીઓના ભારના લીધે તેઓ કોઈપણ પ્રકારના સાહસ કરવામાં પાછા પડે છે. તમારી અંદર પણ એક બિઝનેસમેન છુપાયેલો છે અને તમે પણ સફળતાપૂર્વક બિઝનેસ કરી શકો છો. સાહસ પૂર્વક ધીરે-ધીરે આગળ વધતાં રહો. ક્યાંય પણ ભૂલ દેખાય તો ત્યાં જ અટકો તેને સુધારો અને ફરી આગળ વધો. નુકસાનથી ડરવાની જરૂર નથી. એવો કોઈ બિઝનેસ નથી જેમાં રિસ્ક ન હોય. ધંધો અને રિસ્ક બંને એક સિક્કાની બે બાજુઓ છે. સાવચેતીથી નાના-નાના ડગ માંડો અને તમારા બિઝનેસમાં ધીરે-ધીરે આગળ વધતા રહો.

તમારું એક વખતનું સાહસ તમને આજીવન ગુલામીમાંથી મુક્ત કરાવી શકે છે. તમારું સમૂળગું જીવન બદલી શકે છે. બસ તમારા મગજને ૨૪ કલાક તે બિઝનેસમાં સક્રિય રાખો. તે બિઝનેસને લગતા દરેક પાસાઓની નોંધ લો. જ્યાંથી મળે ત્યાંથી તેના વિશે વધુ ને વધુ જ્ઞાન મેળવતાં રહો. તમારા કોન્ટેક્ટસ અને સર્કલ વધારો. બીજા લોકો શું સર્વિસ નથી આપી રહ્યાં તેની નોંધ લો અને ગ્રાહકને હજી વધુ સરળતાથી અને વધુ સારી સર્વિસ કેવી રીતે મળી શકે તેને ધ્યાનમાં રાખીને તમારા બિઝનેસને ડેવલપ કરતાં રહો.

એક લક્ષ્ય સાધો અને તેને પૂરું કરવા તનતોડ મહેનત કરો. મને વિશ્વાસ છે કે તમે તમારી મહેનત દ્વારા એક દિવસ તમારી પોતાની કંપની સફળતાપૂર્વક ઊભી કરી શકશો. તો આજે જ તમારા મિત્રો, સગાં-સંબંધીઓ, તમારા ગુરુ કે પછી આ બિઝનેસમાં સારો અનુભવ અને જ્ઞાન ધરાવતા લોકોની સાથે ખુલ્લા મને વાતચીત કરો અને આજે જ તેને હકીકતમાં પરિવર્તિત કરવા માટેનું પ્રથમ પગલું ભરો, નાનો તો નાનો પણ તમારો પોતાનો બિઝનેસ શરૂ કરો! એક દિવસ તમારી પોતાની કંપની, પોતાની બ્રાન્ડ હશે!


-     ઝરણા દાયમા ✍️


Comments

Popular posts from this blog

• ગઝલ 📝

પપ્પાનો લીમડો 🌳🍃

• હાઈકુ 🧧