• મૃત્યુ ⚰️
મૃત્યુ!!! આપણા જીવનમાં આ એક જ ઘટના છે જે નિશ્ચિત છે, બાકી બધું અનિશ્ચિત છે. ક્યારે શું થશે તે કોઈ કહી શકતું નથી. આજે તમારી આંખો સામે ફરતો વ્યક્તિ કાલે આ દુનિયામાં નહીં હોય એનો અંદાજો પણ આપણને હોતો નથી. ક્યારેક-ક્યારેક વિચાર આવે છે કે જ્યારે માણસ જીવતો હોય છે ત્યારે આપણે તેને કેમ સાચવી લેતા નઈ હોય? જીવતાં-જીવત માણસને આપણે સારી રીતે રાખી શકતા નથી અને મર્યા પછી તેને ભગવાનની જેમ પૂજીએ છીએ. આ કેટલું હાસ્યાસ્પદ અને નાટ્યાત્મક છે નહીં? જ્યારે તે માણસ જીવતો હોય ત્યારે બે ઘડી તેની પાસે બેસીને પ્રેમથી વાત કરવાની પણ આપણને ફુરસત નથી હોતી, ને તેના ગયા પછી તેને પાછા બોલાવાનો શું અર્થ?
કરુણતા તો એ છે કે માણસના જીવનમાં એકવાર આવી ઘટના બની ગયા પછી પણ તે તેમાંથી કંઈ શીખતો નથી, સુધરતો નથી. બીજા વ્યક્તિઓ સાથે પણ તે આવો જ વ્યવહાર કરે છે. જીવે ત્યાં સુધી તારું-મારું કરીને ઝઘડે અને મર્યા પછી અચાનક બધું તેના પર ન્યોછાવર કરવાની ભાવના ઉભરાઈ આવે છે. એમ પણ આપણે ઉપર કંઈ લઈ જઈ શકવાના નથી અને તેનો કોઈ રસ્તો પણ નથી. તો કોના માટે આ બધું ભેગું કરવું? પુત્ર-પૌત્રો માટે? મને ખબર છે ત્યાં સુધી હાથ-પગ સલામત હશે તો તે પોતાની જરૂરિયાત જેટલું તો કમાઈ જ લેશે. બીજાના હક્કનું લઈને પણ આપણે ક્યાંય જઈ શકવાનાં નથી, ઉપર તો જવાબ આપવો જ રહ્યો!
ઈશ્વરે એક વસ્તુ તો કરવા જેવી હતી કે આપણે કોઈના મનની વાત જાણી શકતાં. તો બધું દૂઘનું દૂધ અને પાણીનું પાણી થઈ જતું! આજના આ ઢોંગી જમાનામાં ખબર જ નથી પડતી કે કોણ સાચેમાં દુઃખી છે અને કોણ અંદરથી ખુશ પણ બહારથી દુઃખી હોવાનો દેખાડો કરે છે! જરૂરી નથી હોતું કે કોઈ માણસના ગયાં પછી બધાં દુઃખી જ થાય! પણ ઈશ્વરથી શું છુપાયેલું છે? તે બધાનાં મનની વાત અને કરેલાં કર્મની પાછળનો હેતુ સારી રીતે જાણે છે. કર્મનું ફળ ભોગવ્યા વગર તો અહીંયાથી કોઈ નહીં જઈ શકે. એટલે જ કહું છું કે કર્મ કરવામાં સાવધાન રહેજો અને તમારા પ્રિયજનો જીવે છે ત્યાં સુધી તેમને ભરપૂર સમય આપી, પ્રેમથી તેમને સાચવી લેજો કારણકે તેમના ગયા પછી ના તો એ ક્ષણો પાછી આવશે ના તો એ માણસ!!!
- ઝરણા દાયમા ✍️
Comments
Post a Comment